About Us

“ધાર્મિક શિક્ષણ બોર્ડનો સુવર્ણમય ઇતિહાસ”

અનાદિકાળનું પરિભ્રમણ ટાળવાનો એકમાત્ર ઉપાય છે કુદેવ, કુગુરુ અને કુઘર્મની શ્રદ્ધારૂપ મિથ્યાત્વનો ત્યાગ. તે માટે મનુષ્યભવમાં તીર્થકરે બતાવેલ મોક્ષમાર્ગમાં અતુટ શ્રદ્ધા રાખવી. લોક્સ્વરૂપ, કર્મસ્વરૂપ, આત્મસ્વરૂપનું ભાન અને જ્ઞાન કરવું.
આવી શ્રદ્ધા સુદૃઢ કરવા તા. ૩૦-૭-૧૯૬૧ ના રોજ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ દ્વારા શ્રી બૃહદ્ મુંબઈ વ. સ્થા. જૈન મહાસંઘની સ્થાપના કરીને સમસ્ત મુંબઈના સ્થાનક્વાસીને એકછત્ર નીચે લાવવામાં આવ્યા. શ્રી મહાસંઘની આગેવાની નીચે ધાર્મિક શિક્ષણ બોર્ડની સ્થાપના કરી જે આજે “માતુશ્રી મણીબેન મણસી ભીમશી છાડવા ધાર્મિક શિક્ષણ બોર્ડ તરીકે ઓળખાય છે તથા તેના નેજા હેઠળ ધાર્મિક શિક્ષણને લગતી બધી પ્રવૃત્તિ ચાલે છે. પૂ. સંતબાલજી મ.સા.નાં અવિસ્મરણીય સહકારથી શ્રેણી ૧ થી ૭ ની જૈન પાઠાવલી તૈયારી કરી.
આ ધાર્મિક શિક્ષણ બોર્ડના વર્તમાને ઉદ્દેશો આ પ્રમાણે છે:
(૧) મુંબઈની જૈનશાળા તથા મહિલા મંડળની ધાર્મિક પરીક્ષાનું આયોજન.
(૨) પરીક્ષા માટે જરૂરી પુસ્તકો તૈયાર કરવા.
(૩) શિક્ષકોનાં સંમેલનો યોજી તેમને અભ્યાસક્રમની સમજણ આપવી.
(૪) પરીક્ષા માં પ્રથમ ત્રણ ક્રમે આવેલ મહિલા મંડળના પરીક્ષાર્થીનું તેમજ જૈનશાળામાં પાંચ નંબર સુધી આવેલ બધાનું ઇનામી મેળાવડાનું આયોજન કરી બહુમાન કરવું.

જૈનશાળા અને મહિલામંડળમાં જ્ઞાનવિકાસ કરવા આગમપ્રેમી સુશ્રાવકો શ્રી વજુભાઈ કપુરચંદ ગાંધી, શ્રી જશવંતલાલ શાંતિલાલ શાહ, શ્રી હીરાલાલ મોહનલાલ તુરખિયા તથા શ્રી અરવિંદભાઈ ધરમશી લુખી વગેરેએ ઈ.સ. ૧૯૮૨-૮૩ માં શ્રેણી ૮ થી ૧૨ અને ઈ.સ. ૧૯૯૨-૯૩ માં શ્રેણી ૧૩ થી ૧૬નો અભ્યાસક્રમ ભગીરથ પુરુષાર્થથી તૈયાર કર્યોં.

ઈ.સ. ૧૯૯૮-૯૯/૨૦૦૬ – જૈન પાઠાવલી – ૪ , શ્રેણી ૧૩ થી શ્રેણી ૧૬, ઈ.સ. ૧૯૯૮-૯૯-શ્રેણી ૧ થી ૧૪ ના પાંચ વર્ષના પ્રશ્ન પેપરોની ઉત્તરાવલી. ઈ.સ. ૨૦૦૩- જૈન પાઠાવલી ભાગ -૧ , શ્રેણી ૧ થી ૪ , નવ્ય સંસ્કરણ ઈ.સ. ૨૦૦૫ – જૈન પાઠાવલી ભાગ -૨ , શ્રેણી ૫ થી ૮ નવ્ય સંસ્કરણ તૈયાર કર્યું ઈ.સ. ૨૦૦૭ – જૈન પાઠાવલી ભાગ -૩ , શ્રેણી ૯- થી ૧૨ નવ્ય સંસ્કરણ, ઈ.સ. ૨૦૦૭ – જૈન પાઠાવલી ભાગ -૧ , (સચિત્ર હિન્દી લિપિ) તૈયાર કર્યા.

માત્ર ૮ વર્ષમાં જૈન પાઠાવલી ભાગ -૧ ની ૧૦ , ૫૦૦ પ્રત પૂર્ણ થતા સાતમી આવૃત્તિ પ્રકાશન કરેલ છે. અને પુસ્તક પ્રકાશનમાં અપૂર્વ સહકાર આપવામાં અને મુંબઈના સ્થાનકવાસી જૈનોના ધાર્મિક જ્ઞાનનો વિકાસ કરવામાં પૂ.શ્રી સંતબાલજી, ગોંડલ સપ્રદાયના પરમશ્રદ્ધેય પૂ. ધીરજમુનિ મ. સા., શ્રી કરસન લધુભાઈ નિસર, શ્રી વૃજલાલ કપૂરચંદ ગાંધી, શ્રી જશવંતલાલ શાંતિલાલ શાહ, શ્રી હીરલાલ મોહનલાલ તુરખીયા, શ્રી અરવિદભાઈ ધરમશી લુખી, શ્રી ચદ્રકાંત શિવલાલ શાહ, શ્રી જસવંતભાઈ જોબાલિયા, શ્રી અતુલભાઈ મુગટલાલ ચુડગર, શ્રીમતી નીતિબેન અતુલભાઈ ચુડગર વગેરેના સહકાર અને માર્ગદર્શન મળ્યું. તેઓશ્રીનો ભગીરથ પુરુષાર્થ અનુમોદનીય છે. ગોંડલ, લીંબડી અજરામર દરિયાપુરી સપ્રદાયના પૂ. સંતોનું માર્ગદર્શન અને પ્રેરણથી અભ્યાસ ક્રમમાં યોગ્ય સમયે-સમયે સુધારા થતા રહ્યા તે બદલ તે સહુનો, તેમ જ નામી અનામી પ્રત્યક્ષ પરોક્ષ યોગદાન આપનાર શ્રુત અનુંમોદક સહયોગી અનુમોદક નો પણ આભાર માનીએ છીએ.

આ ઉપરાંત શ્રેણી ૨૦ ની પાઠાવલી પુસ્તક નં. ૭ ડૉ. પાર્વતીબેન ખીરાણી, શ્રીમતી ભારતીબેન પંચમીઆ, શ્રીમતી હર્ષાબેન લાઠીયા, શ્રીમતી રતનબેન છાડવા અને શ્રીમતી પ્રીતીબેન બાવીસી વગેરેનો સાથ સહકાર અને અમુલ્ય યોગદાન થી અને શ્રી પરાગભાઈ કે. શાહ ( મહાસંઘ પ્રમુખ), શ્રી સુરેશભાઈ સી. પંચમીઆ, શ્રી ખીમજીભાઈ એમ. છાડવા અને શ્રી ગુણવંતભાઈ બરવાળિયાની રાહબરી અને માર્ગદર્શન નીચે તૈયાર થઇ રહેલ છે. ઓગસ્ટ ૨૦૧૬માં શ્રેણી ૨૦ ની પરિક્ષાનું આયોજન કરવા જઈ રહ્યાં છીએ. અને શ્રેણી ૨૧ ની પાઠાવલીનું કાર્ય પણ ચાલી રહ્યું છે.

મહાસંઘના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી પ્રાણલાલભાઈ શેઠે સમયે સમયે ધાર્મિક શિક્ષણ બોર્ડને યોગ્ય સાથ અને સહકાર આપી જોમવંતુ બનાવવાનો પુરૂંષાર્થ કરેલ છે. મહાસંઘના હાલના પ્રમુખ શ્રી પરાગભાઈ કે. શાહની રાહબરી હેઠળ શ્રી સુરેશભાઈ સી. પંચમીઆ ધાર્મિક શિક્ષણ બોર્ડના કન્વીનર તરીકે સુંદર સેવા આપી બોર્ડનું સુચારુ સંચાલન કરી રહ્યા છે.

” શું ધાર્મિક શ્રેણીનો અભ્યાસ કરવો જરૂરી છે? “

સજઝાએણં ભંતે ! જીવે કિં જણયઈ ? સમઝાએણં નાણાવરણિંજજં કમ્મં ખવેઈ .

શ્રી ઉતરાધ્યયન સુત્રમાં ભગવાન કહે છે કે સ્વાધ્યાય કરવાથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે.

ભગવાન મહાવીર સ્વામીની પરમ્પરાને જીવંત રાખવા માટે નું સ્વાધ્યાય એક સશકત માધ્યમ છે, માટે જ્ઞાનની આરાધનાને વધારેમાં વધારે પુષ્ટ બનાવવી જ રહી. જે જ્ઞાન આપણને આચાર્યો પાસેથી મળ્યું છે. તેનું ચિંતન, મનન અને પઠન કરવાથી દર્શન, ચારિત્ર અને તપ પણ દ્રઢ બને છે.

આજના વિષમ યુગમાં મોબાઈલ, ઈન્ટરનેટ, ફેસબુક, ટવીટર વગેરે અનર્થદંડ ના કારણોથી બચવા માટેનો રામબાણ ઈલાજ માત્ર ને માત્ર સ્વાધ્યાય છે. પરીક્ષા નીં તૈયારી એટલે સ્વાધ્યાય અને તે અભ્યંતર તપ જ છે. આપણા ભગવાન, આપણા આચાર્યો, અપણો ધર્મ અને આપણા તત્વજ્ઞાનને ઓળખવા અને સમાજવા માટેનો એક માત્ર રસ્તો ધાર્મિક અભ્યાસ છે. વર્તમાનનો અભ્યાસ એ ભવિષ્યની મૂડી છે. જે આ ભવના વૃધ્ધાવસ્થામાં અને પરભવમાં અનંત સુખ અપાવે છે. વર્તમાનમાં મળેલી શારીરિક અને માનસિક શક્તિ નો સદ્ ઉપયોગ કરી ને સમજણને સન્માર્ગ વાળીએ તો જ માનવભવ ની સાર્થકતા છે

જ્ઞાન પ્રાપ્ત કરવાનું એક ઉત્કૃષ્ટ માધ્યમ ધાર્મિક શ્રેણી ની પરીક્ષા છે. આ પરીક્ષા હરીફાઈ માટે નથી. માટે આ પરીક્ષામાં કોઈની સાથે સરખામણી ન કરતા, આતો મારા આત્માની સલામતી માટેનો મારો પુરુષાર્થ છે એમ વિચારીયે. સ્વાધ્યાયરૂપ પરીક્ષાની તૈયારી કરતી વખતે અને પરીક્ષા દરમ્યાન વધુમાં વધુ સમય શુભ એન શુધ્ધ યોગમાં વ્યતીત થાય છે. સમ્યક્ યોગ ઉપયોગની પ્રવૃત્તિ આત્માના સદ્ ગુણો નો વિકાસ કરાવે છે.

તો ચાલો , ધાર્મિક શ્રેણી ના અભ્યાસમાં શ્રેણી ચઢીને હેય ત્યાગી, ઉપાદય આદરી શ્રેયને પામીએ અને સાથે સહુ જિજ્ઞાસુ ભવી જનને જોડીએ.

સુરેશભાઈ પંચમીય ના જય જીનેન્દ્ર.